ડિસઇન્ફોર્મેશન (ખોટી માહિતી) Disinformation
આ સ્રોત ખોટી માહિતી પર કેન્દ્રિત છે, જેનો અર્થ છે, કોઈ એવી માહિતી જેને લોકોને છેતરવા અને નુકસાન પહોંચાડવા માટે ઇરાદાપૂર્વક તૈયાર કરવામાં આવી હોય છે.
મિસઇન્ફોર્મેશન એ ખોટી અથવા અચોક્કસ (ભૂલભરેલી) માહિતી છે, જેને છેતરવાના અથવા નુકસાન પહોંચાડવાના ઇરાદા વગર શૅર કરવામાં આવે છે.
ન્યૂ ઝીલેન્ડ સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (NZSIS) મુજબ, ડિસઇન્ફોર્મેશન એટલે એવી માહિતી, જે ઇરાદાપૂર્વક ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી હોય છે અને જેને નુકસાન પહોંચાડવાના અથવા વ્યાપક ઉદ્દેશ હાંસલ કરવાના ઇરાદા સાથે ફેલાવવામાં આવે છે. તેને ઘણીવાર ઓનલાઇન અથવા સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવે છે પરંતુ તે ટેલિવિઝન, રેડિયો અથવા અખબારો સહિતના સમાચાર માધ્યમોમાં પણ જોવા મળી શકે છે.
અન્ય દેશો અને તેમના પ્રોક્સીઓ દ્વારા હાનિકારક રીતે લોકોને અને સમુદાયોને પ્રભાવિત કરવા અને ગેરમાર્ગે દોરવા માટે વિદેશી હસ્તક્ષેપના ભાગરૂપે ડિસઇન્ફોર્મેશન (ખોટી માહિતી)નો ઉપયોગ કરવામાં આવી શકે છે.
ખોટી માહિતી કેવી રીતે ફેલાઈ શકે છે
ખોટી માહિતી વિવિધ રીતે ફેલાઈ શકે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- મેસેજિંગ એપ્સ અને કમ્યુનિટી નેટવર્ક્સ, જ્યાં માહિતી ઘણીવાર એવા સંપર્કો વચ્ચે ફોરવર્ડ કરવામાં આવે છે, જેના પર લોકો વિશ્વાસ કરે છે.
- સમુદાય અથવા એકસમાન અભિરુચિ ધરાવતા જૂથોમાં શૅર કરવામાં આવતી સામગ્રી, જેના પર લોકો વધુ વિશ્વાસ કરી શકે છે, કારણ કે, તે પરિચિત સ્ત્રોતોમાંથી આવે છે અથવા તો તે એવી ભાષામાં હોય છે, જે તેઓ સમજે છે.
- ન્યૂ ઝીલેન્ડ ની બહારના મીડિયા અથવા સ્ત્રોતો તરફથી આવતી માહિતી, જે ન્યૂ ઝીલેન્ડના મીડિયા અથવા સંદર્ભો સાથે સુસંગત ન હોઈ શકે.
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ખોટી માહિતી ઝડપથી ફેલાઈ શકે છે, ખાસ કરીને શોર્ટ-ફોર્મ કન્ટેન્ટ જેમ કે, ટિકટોક વીડિયો, ઇન્સ્ટાગ્રામ રીલ્સ અથવા ટ્વિટર/એક્સ થ્રેડ્સ.
- ઇન્ફ્લુએન્સર્સ અને માઇક્રો-ઇન્ફ્લુએન્સર્સ ખોટી માહિતી ફેલાવી શકે છે કારણ કે તેઓ મોટા અથવા વિશ્વસનીય અનુયાયીઓ ધરાવે છે.
- સર્ચ એન્જિન અને પ્લેટફોર્મ્સ પરની ભલામણો વપરાશકર્તાને ખોટી માહિતી બતાવી શકે છે, ભલે પછી તેઓ તેને શોધી રહ્યાં ન હોય.
- ઑફલાઇન શૅરિંગ, જેમ કે પ્રિન્ટેડ ફ્લાયર્સ, પોસ્ટર્સ, કાર્યસ્થળો, શાળાઓ અથવા સમુદાયોમાં મૌખિક રીતે થતી વાતો.
ખોટી માહિતીના પ્રકારો
તમે જે જુઓ છો, તેના અંગે વિચારો
ચકાસોઃ
- શું આ માહિતી કોઈ વિશ્વસનીય સ્ત્રોતમાંથી આવી છે અને શું અન્ય ભરોસાપાત્ર ન્યૂઝ સાઇટ્સ પણ શું આ જ માહિતી રિપોર્ટ કરી રહી છે. વધુ જાણવા માટે નેટસેફના ફેક ન્યૂઝને કેવી રીતે ઓળખવા રિસોર્સને જુઓ.
- મૂળ સમાચાર અથવા માહિતી ક્યાં જોવા મળી હતી અને કોણ તેને પ્રોત્સાહન આપી રહ્યું છે અથવા શૅર કરી રહ્યું છે.
- લેખક કોણ છે અને તેમની પૃષ્ઠભૂમિ, હેતુ અથવા રુચિઓ શું હોઈ શકે છે (દાખલા તરીકે, શું તેઓ માહિતી આપવાનો, સમજાવવાનો, કોઈ ચોક્કસ દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવાનો અથવા લોકોના મંતવ્યોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે).
વિચારોઃ
- ત્યારે થોભો જ્યારે કોઈ કન્ટેન્ટ તીવ્ર ભાવનાત્મક પ્રતિક્રિયા (દા.ત., તાકીદ, ડર અથવા આક્રોશ) પેદા કરે.
- પોતાને પૂછો કે શા માટે આ કન્ટેન્ટ તૈયાર કરવામાં આવ્યું હશે અથવા શૅર કરવામાં આવ્યું હશે (દા.ત., મંતવ્યોને પ્રભાવિત કરવા, ક્લિક્સ મેળવવા અથવા કોઈ કાર્યવાહીને પ્રેરિત કરવા માટે).
- જો આ માહિતીને લોકો સાચી માની લે અથવા શૅર કરવામાં આવે, તો તેનાથી કોને ફાયદો થશે તે અંગે વિચારો.
દાખલા તરીકે, જો તમે એવી કોઈ પોસ્ટ જુઓ કે જેમાં લખ્યું હોય કે ‘તેને હટાવવામાં આવે તે પહેલાં હમણાં જ શૅર કરો’, તો આવી પોસ્ટ જોઇને તમારે અટકી જવું જોઇએ અને તે શા માટે શૅર કરવામાં આવી રહી છે તે અંગે વિચારવું જોઈએ.
જ્યારે તમે અનિશ્ચિત હો ત્યારે શું કરવું
અહીં એ યાદ રાખવું મહત્વનું છે કે, કોઈ બાબત ખોટી માહિતી છે કે નહીં તે તાત્કાલિક ખબર ન પડે એ સામાન્ય છે.
કોઈ પણ માહિતી શૅર કરતા પહેલાં સમય લેવો એ તમને તે સાચી છે કે નહીં તે વિચારવાની, તથ્યોની તપાસ કરવાની અને ખોટી માહિતી ફેલાવવાનું ટાળવાની તક આપે છે.
તમે વિશ્વાસપાત્ર લોકો, જેમ કે પરિવારના સભ્યો અથવા મિત્રો સાથે પણ વાત કરી શકો છો કે તેઓ આવી માહિતી વિશે શું વિચારે છે?
વિદેશની સરકારો અને તેમના પ્રોક્સીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ખોટી માહિતી
વિદેશની સરકારો અને તેમના પ્રોક્સીઓ દ્વારા ખોટી માહિતી ફેલાવવા માટે ઇરાદાપૂર્વક ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:
- ગુસ્સો, ડર અથવા આક્રોશ પેદા કરવા માટે મહત્વપૂર્ણ તથ્યો અથવા પુરાવાઓને ઇરાદાપૂર્વક છોડી દઈને તીવ્ર લાગણીઓને ઉશ્કેરવી.
- પ્રતિક્રિયાને ઉત્પ્રેરિત કરવા અથવા તેને ઝડપથી ફેલાવવા માટે માહિતીને ભ્રામક અથવા અતિશયોક્તિભરી રીતે રજૂ કરવી.
- વાચકોને માહિતી આપવાને બદલે તેમની પ્રતિક્રિયા મેળવવા માટે ભાવનાત્મક રીતે ઉશ્કેરે તેવી ભાષાનો ઉપયોગ કરવો.
- લોકો કોઈ મુદ્દા અથવા જૂથ વિશે શું વિચારે છે, તેને પ્રભાવિત કરવા માટે સ્પષ્ટ પક્ષપાત દર્શાવવો અથવા રૂઢિચુસ્ત માન્યતાઓ પર આધાર રાખવો.
- કોઈ પણ ઘટનાની માત્ર એક જ બાજુ રજૂ કરવા માટે વિવિધ દ્રષ્ટિકોણ અથવા મંતવ્યોને બાકાત રાખવા.
- ખોટી, ચેડાં કરેલી અથવા જૂની માહિતી ને સચોટ હોય તે રીતે રજૂ કરવી.
- જોડણી અથવા વ્યાકરણની વારંવાર ભૂલો થતી હોય, જે ક્યારેક ઓછી વિશ્વસનીયતા અથવા ખૂબ જ ઝડપથી તૈયાર કરવામાં આવેલા કન્ટેન્ટનો સંકેત હોઈ શકે છે.
- ગેરમાર્ગે દોરનારી માહિતીને ટેકો આપવા માટે નિમ્ન ગુણવત્તાવાળા, એડિટ કરેલા અથવા સંદર્ભની બહારના ફોટો કે વીડિયોનો ઉપયોગ કરવો.
તમારી સોશિયલ મીડિયા ફીડ પર નિયંત્રણ મેળવો
જો કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી માહિતી શૅર કરી રહ્યું હોય તો:
- આ પ્રકારનું સમાન કન્ટેન્ટ વધુ દેખાતું અટકાવવા માટે તે એકાઉન્ટને બ્લૉક કરો અથવા અનફોલો કરો.
- ઑનલાઈન હાનિકારક કન્ટેન્ટ ઘટાડવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે એકાઉન્ટ વિશે રિપોર્ટ કરો.
ખોટી માહિતી વિશે જાણ કેવી રીતે કરવી
તમે હાનિકારક અથવા ખોટી ઓનલાઇન માહિતી વિશે આ રીતે જાણ કરી શકો છો:
- નેટસેફ વેબસાઇટ પર ખોટી માહિતી અને અન્ય હાનિકારક કન્ટેન્ટ વિશે જાણ કરો.
- જો મીડિયા કન્ટેન્ટ ગેરમાર્ગે દોરનારું હોય અથવા પ્રસારણના નિયમોનું ઉલ્લંઘન કરતું હોય, તો ન્યૂઝીલેન્ડ મીડિયા કાઉન્સિલ, અથવા એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટીને ફરિયાદ કરો.
- સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મના રિપોર્ટિંગ ફિચર્સનો ઉપયોગ કરીને ખોટી માહિતી વિશે જાણ કરો.
નેટસેફ અંગે વધુ જાણકારી મેળવો
નેટસેફ એ ન્યૂ ઝીલેન્ડની સ્વતંત્ર, નોન-પ્રોફિટ ઓનલાઇન સુરક્ષા સંસ્થા છે, જે ન્યૂ ઝીલેન્ડના લોકો માટે ઓનલાઇન સુરક્ષા સહાય, કુશળતા અને શિક્ષણ પૂરું પાડે છે, જેમાં આ લોકોનો સમાવેશ થાય છે: બાળકો અને યુવાનો, માતા-પિતા અને સંભાળ રાખનારાઓ, પુખ્ત વયના લોકો અને વૃદ્ધો.
હેડસ્પેસ ઇન્વેડર્સ
હેડસ્પેસ ઇન્વેડર્સ એક ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ છે, જે 12થી 16 વર્ષની વયના યુવાનોમાં ઓનલાઇન કન્ટેન્ટ જોતી વખતે આત્મવિશ્વાસ અને ક્રિટિકલ થિંકિંગનું કૌશલ્ય કેળવવામાં મદદ કરે છે, જેથી યુવાનો ઓનલાઇન થતાં છેતરપિંડીભર્યા વ્યવહાર, દબાણ અને નુકસાનને ઓળખી શકે.